@h2@આત્મનિષ્ઠાનાં અધિકારનાં ભેદ@/h2@ આત્મનિષ્ઠામાં કોને અધિકાર છે ને કેવાને માટે અધિકાર છે? પ્રથમ રાજાને જ આત્મનિષ્ઠામાં (સાંખ્યમાં) અધિકાર છે. કેમકે રાજાને પૂર્વ કર્મના વશ્યપણાથી રાજમાં બંધાયેલો છે. તે બંધનને ઉપકાર રુપ ગુણ માન્યો છે. માટે જાણે છે તો પણ તેનો ત્યાગ થઇ શકતો નથી. અથવા મોટા વૈભવમાં મોટુ બંધન છે માટે મુકી શકાતુ નથી. તે વાત ગોપાળાનંદ સ્વામીએ વાર્તામાં કહ્યું છે કે જો બીજો જન્મ થાય તો પણ ગરીબ ધર્મીષ્ઠ વિધ્વાન બ્રાહ્મણને ત્યાં આવજો. તેનું કારણ કે તે ધર્મનિષ્ઠ છે ને વિદ્વાન છે માટે વૈરાગ્ય થાય એટલે ગરીબને કોઇ રોકી શકે નઇ માટે વૈભવ છે તે સંસારમાં મોટું બંધન છે. તે બંધનરુપ રાજાને વજ્ર બેડી છે. માટે તેને તેમાંથી એકદમ ન તુટે અથવા પ્રજા પાલનરૂપ પુણ્યમાંથી ધીરે ધીરે વૈરાગ્ય થવાને માટે રાજાને સાંખ્યનો અધિકાર છે કેમકે વૈરાગ્ય મંદ છે. તે વાત (પ્ર.૭૩)માં છે. અને ભગવાન દ્વારકામાં જે સાંખ્ય મતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે (જ) સાંખ્ય મતને અનુસરે.... જ કાર શબ્દથી રાજા સીવાય બીજા ગૃહસ્થને અધિકાર નથી એમ સુચવે છે. હવે અધિકાર બીજો.... મંદને માટે વિઘ્ન થાય તેને માટે તે વિઘ્ન મટવા માટે ગૃહસ્થને અધિકાર છે કેમકે રાજાને તો પૂર્વ કર્મના વશ પણાથી મંદ ભાગ્ય રૂપ મોક્ષમાં બંધનરુપ વૈભવની પ્રાપ્તિ થઇ છે. ને આ ગૃહસ્થને પૂર્વે ભાગ્યથી મોક્ષમાં બંધનરૂપ વૈભવની પ્રાપ્તિ નથી તો પણ મંદ વૈરાગ્ય વાળો છે. તેથી રાજાના અધિકાર કરતાં આ ગૃહસ્થને આત્મનિષ્ઠામાં મંદ અધિકારી જાણવો. માટે તેવા મંદ અધિકારીને માટે દેહ-આત્માની નોખી વિકતી રૂપ જ્ઞાનથી જુદા પણાનો વિચાર રાખે તો તે વિઘ્નો મટી જાય એ વાત (મ.૩૫) માં બતાવે છે. અને અમે જે આત્મનિષ્ઠાની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલુંજ પ્રયોજન છે કે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા સબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઇ વિઘ્ન ન થાય એટલુંજ પ્રયોજન છે. આથી પ્રથમ દેહથી આત્મા જુદો માને તો દેહના સબંધવાળા જે દુ:ખો તે મને આત્માને નથી ને તે સર્વે દુ:ખનો સંબંધ દેહને છે. પણ હું આત્મા તો દેહથી જુદો ને વિલક્ષણ જે ચેતન તે છું માટે મને દેહનુ દુ:ખ એકે નથી વળગતું. એમ જ્ઞાનથી દૂઢ માનીનતા થઈ જાય તો (પ્ર.૨૫) માં કહ્યું. જે લાડકીબાઈનું દૃષ્ટાંત 'તેજને જોઇને ચીસ પાડવા માંડી જે હું બળુ છું.... માટે સમાધીવાળાને પણ આત્મજ્ઞાનનુ જરુર કામ પડે છે' આ વચનથી દેહ-આત્માની નોખી વિકતી થઇ ગઇ હોય તો દેહના સબંધથી જે વિઘ્ન ભક્તિમાં આવે તે નાશ પામી જાય એમ લખાવ્યુ બીજા વચનમાં દેહના સંબંધીના યોગથી જે વિઘ્ન આવે છે તે પણ જો દેહ આત્માની વિક્તિ જુદી થઇ હોય તો દેહના સંબંધીના દુ:ખને જોઇને તેમાં હું પણાની માનીનતાથી તે દુ:ખીયો ન થાય તે વાત. (છે.૩૩) માં બતાવે છે. ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભીમાન અને સ્વભાવ એ ચારમાં કાચ્યપ હોય ને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહી, એની ભક્તિમાં જરુર વિઘ્ન આવે, કેમકે ક્યારેક એને સ્ત્રી ધનનો યોગ થાય તો ભક્તિ નો ઠા રહે નહી. તો જો સ્ત્રી ધનાદીકના યોગથી વિઘ્ન છે તે પણ દેહ આત્માની નોખી વિક્તિ થાય તો સ્ત્રી ધન મારા છે જ નહી તો તેના દુઃખે કરીને દુ:ખીયો ક્યાંથી થવાય? એમ વિઘ્ન ટાળવાનો ઉપાય બતાવે છે. ને દેહના યોગવાળા ઇન્દ્રિયો તથા અંત:કરણ તેના યોગથી વિઘ્ન થતા હોય તેમાં પંચે ઇન્દ્રિયોને પોત પોતાના વિષય ભોગમાં દ્રઢ આસકિત છે. તે વિઘ્ન ટાળવા ને અંત:કરણમાં જે વાસના બેઠી છે. તેના મનમાં અખંડ સંકલ્પ થાય છે ને તેના ભોગ ભોગવવાનો નિશ્ચય કરે છે ને તેને વિષે અહં બુદ્ધિ કરે છે. ને તેનું અખંડ ચિંતવન કરે છે તે મોટું વિઘ્ન છે. તે ટાળવા માટે આત્મનિષ્ઠા દ્રઢ કરવાની બતાવે છે. કેમકે તે ઇન્દ્રિયો, અંત:કરણ દેહના છે. પણ મારા આત્મામાં નથી તેથી તો આત્મારૂપે વર્તો તો વિઘ્ન ન થાય એમ બતાવીને વિશેષમાં મહારાજ કહે છે કે ભગવાની પ્રાર્થના કરવી 'હે મહારાજ આતો ઈન્દ્રિયો, અંત:કરણનો વાંક છે અને હું તો એથી જુદો છું' એમ પ્રાર્થના બતાવીને વિશેષમાં વિઘ્ન રુપ ચોરને ભગાડવાનો ઉપાય બતાવે છે. જે ઉચ્ચ સ્વરે કરીને હે સ્વામીનારાયણ! હે સ્વામીનારાયણ! એમ નામ ઉચ્ચારણ કરવું. ને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદસ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંતોના નામ ઉચ્ચારણ કરવા એમ વિઘ્ન ટાળવાનો ઉપાય બતાવે છે ને આત્મરુપના ટેકારૂપે બતાવે છે. અને ત્રીજુ ભગવાનની ભક્તિને વિષે કોઇ વિઘ્ન ન આવે કેમકે જયારે આત્મારુપે પોતે વર્તે તો ભક્તિમાં વિઘ્ન કર્યાથી આવે? કેમકે આત્મા તો નિર્લેપ જ છે. માટે ત્યાં આત્માનું નિર્લેપપણુ છે માટે વિઘ્ન ન થાય. હવે ત્રીજો, વૈરાગ્ય છે, ઉત્સાહ પણ છે પણ નિર્બળ છે. માટે પેલા બે ગણ્યા તે થકી પણ આનો અધીકાર મંદ છે. એમ સૂચવે છે. કેમકે પૂર્વના પ્રારબ્ધના યોગથી સમગ્ર સાધન મળ્યા છે. તો પણ પ્રયત્નશીલ નથી. માટે મંદ અધીકારી છે તેને બળ પ્રાપ્ત કરવાને માટે આત્મનિષ્ઠા (મ.૬૩)માં કહે છે. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવુ પણ ઇન્દ્રિયો અંત:કરણ ભેળુ ભળવુ નહી એવી રીતે સત્તારુપે રહેતા થકા એનો જીવ બળને પામે છે. આ વચનથી જીવને બળ આવવાનો ઉપાય બતાવે છે. એટલે ઇન્દ્રિયો અંત:કરણ ભેગો ન ભળે તેથી ઇન્દ્રિયોના માર્ગ બંધ થઈ જાય. તેથી નવા વિષય અંત:કરણમાં ભરાય નહી. ને આત્મ વિચારે કરીને પ્રથમ આવેલા વિષયને ટાળી નાંખે છે. માટે પોતે આત્મ સત્તા રુપેજ વર્તે છે. માટે જ બળવાન થાય છે. તેથી નિર્બળ પણુ નાશ પામીને ઉત્સાહ વધે છે. ને આત્મનિષ્ઠા વધે છે. એ અધીકાર બતાવે છે. પણ રખે આત્મ સત્તાથી ઉન્મત્તપણું માનીને (ગાંડા) થઇને એમ ન માની બેસો જે “પાછો દેહુ ન ધરાય” એ વચનથી “ભગવાન જન્મ લે છે ને દેહ ધારણ કરે છે” એમ માની બેસતા નહી. એ વચન તો એમ બતાવે છે કે આત્મ સત્તા રુપથી કૈવલ્ય મુકિત ના માર્ગે ન ચઢી જાવો. કેમકે તે કૈવલ્ય મુકિતમાં જળમાં પાણાની માફક મૂઢતાની પ્રાપ્તિ થાય છે. ને જન્મ મરણની નિવૃતિ છે પણ ભગવાનની પ્રાપ્તિ કે ભગવાન સંબંધી આનંદની પ્રાપ્તિ નથી તે માટે કૈવલ્ય મુક્તીનો નિષેધ કરીને ભગવાનને આનંદની પ્રાપ્તિ તો અહીં સાધનકાળમાં ભગવાનના સંતના સંગથી થાય છે. ને તે સંતની સેવાથી થાય છે તે કહે છે માટે દેહ ધરીને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એજ અતિશે શ્રેષ્ઠ સાધન છે. એમ સકામ ભક્તિને કેવળ કૈવલ્યાર્થી ભક્તિને ભગવત ભક્તિ એ ત્રણ વાત (મ.૬૩) કહે છે. તેમાં કૈલાસ આદિકથી સકામ ભક્તિનો નિષેધ કરીને કેવળ સત્તારુપથી કૈવલ્યાર્થીની પ્રાપ્તિરુપ નિરાકાર મુકિતનો નિષેધ કરીને ભગવાનની સેવારુપ મુકિતને માટે સાધનકાળમાં ભગવાન ને સંત તેના ભેળા રહેવુ. (એટલે સમાગમ કરવો.) ને તેને અર્થે જે સેવા બની આવે તે બતાવ્યુ છે. ને તેના પ્રમાણમાં પણ શુક મુનીએ હરિવાક્ય સુધા સિંધુની ટીકામા પણ ભાગવતના શ્લોકો ટાંક્યા છે. (ભા.ચતુ. સ્કંધ અધ્યાન ૯ શ્લો.૯) તેમાં સકામ પ્રાપ્તિનો નિષેધ કરીને દસમાં શ્લોકમાં નિરાકાર વાદીની નિરાકાર મુકિતનો નિષેધ કરીને અગીયારમાં શ્લોકમાં સત્પુરુષના સંગથી ભગવાનના ગુુણ કથામૃતનુ પાન અને દુ:ખની નીવૃતિ બતાવી છે. અને બારમાં શ્લોકમાં તમારા ચરણ કમળને વિષે પ્રીતિ વાળા સંતના સમાગમ કરનારને દેહમાંથી પ્રીતિ મટી જાય છે. એ રૂપ આત્મ નિષ્ઠા બતાવી છે અને તેથી જ દેહના પાછળ રહેલા સ્ત્રી પુત્ર ધનાદીકનો સંગ રહેતો નથી તે બતાવે છે. માટે તે બળવાન થાયછે.એ વાત બતાવી છે. પણ જેમ ગીતામાં ભગવાનના અવતરણનું પ્રમાણ છે તેમ આ (મ.૬૩) માંથી ભગવાનના ભક્ત ભેળે જન્મ ધરીને રહેવુ તે વચનથી અવતરણનુ પ્રમાણ નથી કહેતા પણ નિષ્કામ ભક્તિયોગનુ પ્રમાણ બતાવે છે ને તેજ વાત ભાગવતના પ્રમાણથી સિધ્ધ કરી છે. હવે અધિકારી ચોથો પૂર્વ સંસ્કારથી સારા કુળમાં જન્મ સાધન સંપૂર્ણ છે ને બળવાન પણ છે, તથાપી જો ભગવાનના નિશ્રાયમાં અનિશ્ચયના સંશય થતાં હોય કે ભગવાનની મૂર્તિમાં મનુષ્ય ભાવ કે પ્રતિમા ભાવ થતો હોય તે ટાળવાને માટે ભગવાનનુ નિર્લેપપણુ એને જાણવુ જોઇએ. તો તે સંશય ભાવ ટળી જાય છે. તે વાત (મ.૫૭) માં છે. ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીનેજ કરવી ને તે સત્તારુપ આત્મા કેવો છે તો જેને વિષે માયા ને માયાના કાર્ય ત્રણ ગુણને દેહ ઈન્દ્રિયો અંત:કરણ તેનુ કોઇ આવરણ નથી અને કાંઇક જે આત્માને વિષે આવરણ જેવુ જણાય છે. તે અજ્ઞાને કરીને જણાયછે. પણ જેણે જ્ઞાન વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે. તેને તો એ આત્માને વિષે કોઇ જાતનું આવરણ નથી અને એ આત્મારૂપે જે વર્તવુ તે કેવળ બ્રહ્મ થઇને મસ્ત થવું તેને અર્થે નથી તે તો પોતાને આત્મારૂપે રહેવુ તેનુ એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનુ માયાનું આવરણ નથી તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેષ પણ કેમ હોય? એવી રીતે ભગવાનમાં કોઇ રીતનો દોષ ન આવે. તે સારુ આત્મનિષ્ઠા દૃઢ કરીને રાખવી. તે આ વચનથી ભગવાનનુ નિર્લેપપણું જાણવાને માટે પ્રથમ આત્માનુ લક્ષણ કહીને જયારે પ્રથમ આત્માજ માયાના આવરણથી રહિત છે તો આત્માથી પર ને નિયંતા ને સ્વામી અંતર્યામી એવા ભગવાનને વિષે માયાનુ આવરણ રુપ મનુષ્ય ભાવ કે પ્રતિમા ભાવ કે ભગવાન હશે કે નહી હોય કે મારુ કલ્યાણ ક્યાં થી હોયજ? એમ ભગવાનને નિર્લેપ જાણવાને માટે આત્મ નિષ્ઠા દૃઢ કરવાની કહે છે. પણ આ ચાર પ્રકારનો અધિકાર આત્મનિષ્ઠામાં બતાવ્યો તે તો જેમ જનક રાજાને જગતના નાશ પણા રૂપ જ્ઞાને સહીતજ અહં બુદ્ધિ નાશ પામી હતી તેમ જગતની વિસ્મૃતિએ સહીત એટલે જ્ઞાને સહીત અનન્ય ભાવથી ભગવાનમાં જોડાય તેને માટે અધિકાર બતાવ્યો છે. પણ તે અધિકાર પ્રયત્નસાધ્ય છે. પણ સ્વભાવિક નથી પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, પણ વસ્તુતા એ તે શ્રેષ્ઠ અધિકાર નથી. કેમકે તેની સ્વભાવિક ગતી નથી. પણ પ્રયત્નથી ગતી સાધ્ય કરી છે ને શ્રેષ્ઠ તો જયારે દેહ, કરણ ને આત્માની સ્વભાવિક ગતો ભગવાનમાં એક થઇ જાય, જેમ નદીની ગતી સ્વભાવિક છે અને જેમ અગ્નિની ઉર્ધવ ગતિ સ્વભાીક છે તેમ આત્મનિષ્ઠા પ્રયત્ન સિવાય ભગવાનને વિષે દૃઢ રહે, એ આત્મનિષ્ઠાની ઉત્તમ સ્થિતિ છે. અને તેથીજ અંગ ભક્તિની પ્રાપ્તિ થાયછે. હવે જે આત્મનિષ્ઠા પરિપકવ થયા પછી છકી જવુ નહી તેમ આત્મનિષ્ઠાથી ઉન્મત્ત પણ થવુ નહી. તેમ આત્મનિષ્ઠાથી હું નિર્લેપ છુ કે અસંગી છું કે નિત્ય છું એમ માનીને ભગવાનને મુકીને આત્મ ઉપાસનામાં કે ભગવાનની મૂર્તિ ખંડનમાં પ્રવૃતી થઇ જાય તેમ ન વર્તવુ તે ઉપરજ મહારાજ દ્રષ્ટિ રાખવા માટે આ વચનોથી નિષેધ કરેછે. (મ.૫૭) અને એ આત્મા રૂપે જે વર્તવુ તે કેવળ બ્રહ્મ થઇને મસ્ત થવુ તેને અર્થે નથી એતો પોતાને આત્મરૂપે રહેવુ તેનુ એ પ્રયોજન છે. જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી તો આત્માથી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય? આ વચન છે તે એમ સુચવે છે કે આત્મનિષ્ઠા પરિપકવ દશાને પામી છે તો પણ મસ્તી તો આવવા દેવીજ નહી તે મસ્તી કેવા પ્રકારની? તો હુંજ ભગવાન છું તે રૂપ કે હું આત્મારૂપે વર્તુ છું માટે મને કોઇ પ્રકારનો બાધ નથી એમ જાણીને જેમ મદ્યપાનથી કે ચિત્ત-ભ્રમથી મસ્તી આવે છે. તેવી ન આવવા દેવી પણ એમ જાણવુ કેજો હું આત્મારુપ થયો તો મારે માયાથી બાધ થતો નથી તો માયાના કારણ ને જેનાથી મને આવી સામર્થી મળી છે તેવા ભગવાનમાં માયાનો લેશ પણ નથી એમ ભગવાનના મનુષ્ય ભાવમાં કે પ્રતિમા ભાવમાં દ્રઢ નિશ્ચય કરવા માટે છે, કે જેથી માનુષીલીલા કે પ્રતિમા ધર્મ દેખીને કે સાંભળીને બુદ્ધિ ભગવાનમાંથી ડગે નહી તે સારુ આત્મનિષ્ઠા કરવાની છે. પણ મસ્ત થવા માટે નથી. તે ઉપરજ નિરંતર દૃષ્ટિ રાખવી એમ બતાવે છે. ને (છે.૨૬) અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણુ હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું તે મારે વિષે શુભ અશુભ ક્રિયા લાગતી નથી હું તો અસંગ છું.... એબે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. આ વચન છે તે ઉન્મત પણુ ન આવે માટે કહે છે. પોતાને આત્મા કે બ્રહ્મરુપની ભાવના કરવાથી ગાંડા પણુ ન આવે તે વિચાર રાખવો. જેમ દારુ પાનથી દેહનુ ભાન નાશ પામે છે ત્યારે વિવેક નાશ થાય છે તેમ આંહી આત્મા કે બ્રહ્મ ભાવનાથી દેહ ભાન વિનાના થાવુ. કેમકે દેહ ભાન હોય તો શુભ ક્રિયાનુ ફળ જરૂર ભોગવવુ પડશે ને અશુભનુ પણ જરૂર આ લોક કે પરલોકમાં ભોગવવુ પડશે. એમ આસ્તિક બુદ્ધિ રહે માટે તેવું કર્મ થાય જ નહિ. પણ ગાંડા પણુ આવ્યુ તો હું તો અસંગ છું ને આત્મા ને પાપ પુણ્ય અડતુજ નથી એમ માનીનતાથી ધર્મનો નાશ કરે માટે તેવી રીતનો આત્મનિષ્ઠારૂપ દોષ ન આવે માટે સૂચના કરે છે. ને તે વચનમાં પૂર્વે ત્રણ વાના વાળાને વિષય બંધન ન કરી શકે તેમાં ધર્માંશ, આસ્તિકતા ને લાજ, તેમાં પાપ પુણ્યના ભોગ્યતારુપ આસ્તિકતાથી ગાંડા પણાનો નિષેધ કરીને પછી ધર્માંશ, આસ્તિકતા ને લાજ તેને અતિ દૃઢ કરે છે કે આત્મનિષ્ઠાથી જેટલા વચન લોપશો તેનુ ફળ ભોગવશો જ ને આ લોકમાં લાજનો નાશ ને ધર્મના ભંગથી અવિશ્વાસવાળા થશો માટેજ આગળ વચનથી કહે છે. એવી રીતે સમજણ હોય તો પણ નિષ્કામાદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢ પણે પાળે તે સૂચના કરે છે. (છે.૩૬) તેમ તે શુષ્ક વેદાન્તી તે એને એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ-મરણ નથી ને તે નિરાકાર છે અને ગમે એટલુ પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો ગુણ બતાવી ને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે... મૂર્તિમાંથી પડી ગયો આ વચન છે તે એમ સૂચના કરે છેકે આત્મા છે તે નિર્લેપ છે. અસંગ છે, નિત્ય છે એથી એમ ન માનવુ કે મારે વિષે માયાનો દોષ અડતો નથી તો મારે હવે કોઈની શી જરુર છે? ભગવાન જેમ નિર્લેપ છે તેમજ આત્મા પણ નિર્લેપ છે તો ઉપાસના કરવાની શી જરુર છે? કેમકે કેવળ કલેશજ છે પણ ફળ નથી. આત્મા નિર્લેપ છે માટે આત્મ ઉપાસના કરવી એમ બુદ્ધિ ન થાય તે બતાવે છે. તે સાથે બીજી બુદ્ધિ પણ બતાવે છે કે આત્માને જન્મ મરણ નથી ને નિરાકાર છે. તેથી પાપ પુણ્ય અડતુ નથી તો મારે ઉપાસના કોની કરવી? એમ મત્ત થઇ જવાય અથવા તેવા શુષ્ક વેદાન્તીનો સંગ એમ ગુણ બતાવે ને કહે કે મૂર્તિ (પ્રતિમા) છે તે બોલે છે? નેજમે છે? ને ઉપદેશ પણ કરે છે? નથી કરતી. તો તેવી મૂર્તિને માનવાથી શું ફળ થાય? એમ ગુણ બતાવીને બોલતા, ચાલતા ને જમતા, જ્ઞાન આપનાર મને માતો એમ ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરે છે. માટે તેમના સંગથી પ્રથમથી જ દૂર રહેવાની સૂચના કરેછે. માટે આમ દોષ ન આવે તે જોતા જાવુ ને પ્રથમ કહ્યું તેવી રીતે દેહ, મન, ઇન્દ્રિય, જીવ ને અક્ષરમાં નિષ્ઠારુપ કરતે સતે જયારે આત્મનિષ્ઠાથી દેહભાન નાશ થઈ જાય ને આપો આપ ધર્મ તેને મૂકી ચાલ્યો જાય તો બાધ નથી. પણ ગુણ થાય છે તે તો જેમ નિંદ્રા વશથી પંખો પડી ગયો તેમ થાય તો પણ દેહભાન છે ને જાણીને દંભે કરીને ધર્મ મુકી દે તો બાધરુપ દોષ આવશે. ને તેનુ ફળ પણ અવશ્ય ભોગવવુ પડશે. એમ સૂચનાથી બતાવે છે. માટે દોષને મૂકીને આત્મનિષ્ઠા કરવી તો મોક્ષ ઉપયોગી છે. આવી રીતે શરીરના દોષ તેનો વિભાગ કરીને સ્વ સ્વરુપ થયો એવો જે પોતાનો આત્મા જે પોતાનો જીવ તેને બ્રહ્મ સાથે એકતા કરવી તે આત્મનિષ્ઠા છે તે શિક્ષાપત્રી શ્લોક ૧૧૬. (મ.૩૧) મારુ સ્વરુપ તો માયા થકી મુક્ત ને પર એવુ જે બ્રહ્મ તે છે એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. (સ.જી.પ્ર.૧ અ.૫૮ શ્લો.૧૮, ૧૯, ૨૦, ૨૧)માં ગુરુમંત્ર (અષ્ટાક્ષરમંત્ર) નો અર્થ કરીને જે તદાત્મ (હું બ્રહ્મ છું એવો) ભાવ બતાવ્યો છે ને જે (સ. જી. પ્રકરણ. ૪) માં દીક્ષા પ્રકરણમાં જે મંત્ર અર્થ કર્યા છે તે બ્રહ્મ સાથે એકતા કરવી એ આત્મનિષ્ઠા છે. એટલે શુધ્ધ થયો પોતાનો આત્મા તેને અધિક સંસ્કાર માટે (અધીક ગુણ પ્રાપ્તિને માટે) જેમ ખાણમાંથી નીકળેલો મણી તેને એરણ ઉપર ચડાવે છે ત્યારે ઉત્તેજતા - અધીક તેજસ્વી થાય છે. તેમ તે આત્માને પણ ખાણમાંથી મણીને બહાર કાઢ્યો તેમ માયાથી જીવ જુદો પાડયો તેને જેમ મણીને એરણ ઉપર ચડાવ્યો તેમ અપહ્યતપાપ્માદિ ગુણવાળો જીવાત્મા તેને જેમ મણીને અધીક તેજ પ્રાપ્ત થાય છે તેમ જીવાત્માને અક્ષરના ગુણની પ્રાપ્તિ જે સામીપ્યપણુ, નિર્લેપપણુ, મરજીનુ જાણવાપણા રુપ ગુણાદીકની પ્રાપ્તિ માટે અક્ષર બ્રહ્મ જે ધામ જેના બે સ્વરુપ (પ્ર.૨૧) સાકાર મૂર્તિમાન અને નિરાકાર મહોલરૂપ કહ્યું છે. તે બ્રહ્મ સાથે એકતા કરવી તો એ બ્રહ્મના ગુણ આવે તે (મ.૩૧) માં એ બ્રહ્મનો મનન દ્વારા સંગ કરે તો એ બ્રહ્મના ગુણ જીવને વિષે આવે છે. (મ.૩) એ બ્રહ્મ સંગાથે એકતા કરીને (મ.૩૦) પ્રકૃતિ પુરુષ થકી પર એવુ જે શુધ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને એક સત્ય જાણે ને તે બ્રહ્મનેજ પોતાનુ સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ તેનુ ભજન કરે (મ.૨૦) માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે... તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામેછે ત્યારે જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે. (પ્ર.૨૧) આપણે પણ એ અક્ષર રૂપ જે મુક્ત તેની પંકિતમાં ભળવુ છે અને અક્ષરધામમાં જઇને અખંડ ભગવાનની સેવામાં રહેવુ છે. આમ અક્ષર સાથે એકતા મનન દ્વારા કરે તો આગળ કહ્યા તે ગુણ ને આ બે સ્વરુપની પ્રાપ્તિ થાય છે. એટલે મહોલરૂપે થઇને ભગવાનને ધારી રહે છે તે રુપ સામીપ્ય પણું પ્રાપ્ત થાય છે ને મુક્તની પંકિતમાં ભળ્યા એટલે સાકાર થયા તેથી સેવાની પ્રાપ્તિ થઇ એ સામ્ય ગુણથી નિર્લેપ પણું પ્રાપ્ત થયુ ને સેવાનો જેવો અવકાશ તે પ્રકારે સેવા કરે છે માટે મરજીનુ જાણવાપણુ એ ગુણની પ્રાપ્તિ થઇ તે પ્રાપ્તિ માટે તે અક્ષરની સાથે એકતા કરવી તેથી આ બે રૂપની પ્રાપ્તિ સહીત જેમ મણીમાં તેજ પ્રાપ્ત થયુ તેમ તેને અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. એમ અક્ષરને વિષે આત્મ ભાવરુપી આત્મનિષ્ઠા બતાવી છે ને પછી બ્રહ્મ થઇને ભજો પર બ્રહ્મને રે લોલ. (મ.૩,૩૦,૩૧) માં બ્રહ્મ થઇને પરબ્રહ્મને ભજવાનુ બતાવે છે તે ત્રણ આત્મનિષ્ઠા છે. એટલે આત્મા શબ્દ પરબ્રહ્મ પરમાત્મા વાચક છે તેથી દેહ ઇન્દ્રિયો ને અંત:કરણ તેમાં આત્મ શબ્દ વિપરીત અર્થ છે. એટલે જડ જે માયામાં વિપરીત અર્થમાં કરેલો છે. તે અજ્ઞાનથી છે અને જયારે અજ્ઞાન નાશ પામ્યુ ત્યારે શુધ્ધ જીવાત્મામાં સ્વભાવિક આત્મ શબ્દ વ્યવહાર (અર્થ) છે ને તેને અધીક ગુણની પ્રાપ્તિ માટે અક્ષર બ્રહ્મની સાથે સામ્ય ભાવથી આત્મ શબ્દ વ્યવહાર કર્યો છે તે ગુણ માટે છે ને આંહી પરમાત્મામાં તો તે ત્રણે અર્થ સંભવતા નથી માટે પરમાત્મામાં તો નિષ્ઠા શબ્દથી સ્થિતિ એટલે નિશ્ચય અર્થ કરવો. એટલે પરમાત્માનોજ દ્રઢ નિશ્ચય થાય. જેથી પોતાના સ્વામી, ઇષ્ટદેવ, ધર્માત્મજ, ભક્તિબાળ, ઘનશ્યામ, સહજાનંદ, સ્વામીનારાયણ તેનોજ હું એક દાસ છું એમ દૃઢ નિશ્ચય થાય તે આત્મ નિષ્ઠા છે. આવી રીતે જે આત્મનિષ્ઠાની પરીપકવ દશા તે પ્રેમ લક્ષણા ભક્તિનુ અંગ છે જેથી અંગી ભક્તિની પ્રાપ્તિ થાય.
જય શ્રી સ્વામિનારાયણ @br@તા. ૧૬-૦૫-૧૯૬૦