@h1@ટૂંકમાં ધર્મનિષ્ઠા સમજીએ તોઃ-@/h1@ @p@ વર્ણાશ્રમ ધર્મનું ફળ ગૌણ અને ભાગવત ધર્મ પાળવાનો હોઇ એકલી ભક્તિજ કરવી એવી વિચાર ધારા અપનાવીને લોકો એમ કહે છે કે સ્વર્ગનાં સુખ પણ અંતેતો નાશજ પામવાનાં છે (ક્ષીણે પુણ્યે) તો શા માટે આલોકનાં સુખ ન માણી લેવા? નિષ્કામપણે પાળેલો ધર્મજ ભાગવત ધર્મ છે અને તેજ ભક્તિ કહેવાય છે. એમાં અંતરાય થતાં હોય તો (મ.૨૬) પ્રમાણે ધર્મ અને વૈરાગ્યને ગૌણ કરીને ભક્તિ કરી લેવી. સત્ય બોલવું એ ધર્મ છે પણ સંજોગ વશાત્ મહા ભારતનાં યુધ્ધમાં મોટા અધર્મી દુર્યોધનને મારવા દ્રોણ વગેરેને મારવા માટે ભગવાને યુધિષ્ઠિર દ્વારા અસત્ય બોલાવ્યું તથા નિઃશસ્ત્ર પર શત્ર ન ચલાવવા વગેરે ગૌણ ધર્મ ત્યાગ કરાવી ને અર્જુન દ્વારા ભિષ્મ-કર્ણ વગેરે ને મરાવ્યા. આમ, ધર્મને ગૌણ કર્યો છે પણ સામાન્ય સંજોગોમાં શાસ્ત્રે કીધેલા ધર્મ પાળવાજ પડે. (પં. ૬) પ્રમાણે કેટલાક એમ માને છે કે ધર્મ નહી પાળીએ તો પણ કંઠી પહેરવી વગેરે ઉપરનાં ચિહ્નો થી કલ્યાણ થઇ જશે પણ (અ.૩) પ્રમાણે ઉપશમ દશા વર્તતી હોય ત્યારે ધર્મ ન પાળે તો ચાલે અથવા અંતર્દ્રષ્ટિ વર્તતી હોય ત્યારે ધર્મ ગૌણ થાય તો બાધ નથી એમ કેટલાક માને છે પણ (પ્ર. ૪૨, ૭૮) પ્રમાણે તો તમને દેહની ખબર હોય અને છતાંય ધર્મ ન પાળો તો કલ્યાણ નહી થાય પણ નરકમાંજ જશો એવી રીતે (સા.૧૪) પ્રમાણે ત્રીજીરીતે પણ જ્ઞાને કરીને એવી સ્થિતિ થઇ હોય એને સ્થૂળ દેહનું પણ કર્મ નથી લાગતું પણ જાણી જોઇને અશુભ આચરણ કરીએ અને દેહનું અનુસંધાન હોય તો નર્કમાંજ જવું પડે. કેટલાક લોકો સાંખ્ય જ્ઞાનની ઓથ લઇને ધર્મ ગૌણ કરે છે પણ તે તો રાજાનેજ અધિકાર છે કારણ કે એને ઘણાં બધાં કાર્ય કરવાનાં હોય. (મ.૨૬) માં પણ એમજ કહ્યું છે કે ભક્તિ કરવામાં સામાન્ય ધર્મો-વિધિ વિગેરેમાં વધારે સમય વેડફાઇ જાય તો ભક્તિ રહી જાય તેેવે વખતે સામાન્ય વિધિ જલ્દી પતાવીને ભક્તિ કરવાનું કહ્યું છે પણ સામાન્ય સંજોગોમાંતો પૂરે પૂરા ધર્મ પાળવાનું કહ્યું છે. (મ.૯) માં પણ “હમણાં તો સત્સંગથી બહાર છે પણ સ્વરૂપનિષ્ઠા છે તો તેનું કલ્યાણ થશે.” આમ જે કહ્યું છે ત્યાં સત્સંગ શબ્દથી ધર્મ સમજવાનો છે. એટલે કે થોડો ધર્મ ગૌણ હશે તો પણ ભગવાનને સર્વોપરી જાણતા હશો તો તમે ધામમાં જશો એમ કહ્યું છે પણ તેમાં સંપ્રદાયથી બહાર નિકળી જવાનું નથી કહ્યું. સંપ્રદાયમાં હોવ પણ ભગવાનને બીજા જેવા જાણો અને સામાન્ય ધર્મો વિશેષ પાળો તેનો નિષેધ કર્યો છે. ધર્મ-લોક રિવાજ પાળતાં કોઇ સંતે ન પાળવાની આજ્ઞા કરી હોય તે પ્રમાણે લોકાચાર ન પાળવારુપ ધર્મ ગૌણ કરવાનું (મ.૨૬) મું વચનામૃત કહે છે. તમારી પાસે સમય થોડોજ હોય ને વિધિ કરવામાંજ સમય પસાર થઇ જતો હોય અને મુખ્ય ભગવાનનું ભજન કે સેવા રહી જતી હોય તે વખતે સંત તમને આજ્ઞા કરે કે આ બધું મુકીને અમે કહીએ એમ કરો એમ કરવાથીજ તમારામાં આત્મનિષ્ઠા આવી કહેવાય અને તો વર્ણાશ્રમ ધર્મ ન પાળવાનો દોષ સંતનાં વચન રુપી સ્વરૂપનિષ્ઠાથી દૂર થઇ જાય છે. ગોપાળાનંદ સ્વામીએ બ્રાહ્મણને ત્રીપુંડ્ર ભૂંસીને ઉર્ધ્વપુંડ્ર કરાવ્યું તે એમણે શું શિક્ષાપત્રીની આજ્ઞા લોપાવી? ના, તેને તો સ્વામિનારાયણનો પાકો ભક્ત બનાવ્યો. @/p@