@h1@પ્રસ્તાવના@/h1@ આ પુસ્તકમાં સ્વામી આપણને એ સમજાવવા માંગે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ સાક્ષાત્ ભગવાનનીજ હોય પણ કોઇ બીજાનો ભાર ન પડે અને એક ભગવન્નિષ્ઠાજ હોય પણ કોઇ ગુરુ કે અવતારનો પણ જરાય ભાર ન પડે. હું ને મારો ઠાકોર, પોતે બ્રહ્મ થઇ પરબ્રહ્મને ભજે. પરબ્રહ્મ કોણ તેને ઓળખે પણ ગમેતેમાં ન બંધાય તો જ મોક્ષ થાય. જરુર નથી કે આપણે જેતે અવતાર વખતે મનુષ્ય જન્મ પામવો. ભગવાનતો કાયમ પ્રગટજ છે, અત્યારે પણ ભગવાને ઉપાસના માટેજ મંદિરોની રચના કરી છે તેથી આચાર્ય જે મૂર્તિ પધરાવે તે પ્રગટ સ્વયં શ્રીહરિજ છે પણ ઓઠું (પ્રતિક) નથી. ગુરુ કે અક્ષર પ્રતિક કહી શકાય પણ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમા ભલે બોલતી ન હોય પણ પ્રગટ સ્વયં ભગવાનજ છે ને તેની નિષ્ઠાજ પ્રગટ ઉપાસના છે. રુપ-સ્વરુપ ભાવ જીવ અને ભગવાનમાં છે એટલે કે જીવ રુપ-શરીર છે અને ભગવાન શરીરી-સ્વરુપ છે એમ યોગ્ય છે પણ ભગવાનનાં શ્રી વિગ્રહમાં એવો ભાવ કલ્પવાનો નથી. એમાં તો સાકરનું નારિયેળ એમાં ત્યાગ ભાગ નહી, એમાં રુપ સ્વરુપ નહી. શુધ્ધાદ્વૈત મતમાં સગુણને ભજીને નિર્ગુણને પામવાના એમ માનવામાં આવે છે પણ વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે તો ધામમાં છે તે જ અત્યારે મૂર્તિ સ્વરુપે છે. એ સગુણ નથી અને ધામમાં છે તે ફક્ત નિર્ગુણ નથી પણ મૂર્તિમાન સાકાર જ છે. અહીંયા મૂર્તિઓ સાકાર અને ધામમાં ભગવાન નિરાકાર એમ નહી. ભગવાન અહીંયા પણ સાકાર અને ધામમાં પણ સાકાર, અહીંયા પણ નિર્ગુણ અને ધામમાં પણ નિર્ગુણ. તમને જે સ્વરુપ મળ્યું છે (આચાર્યએ પ્રતિષ્ઠા કરી છે) તે સર્વોપરી પ્રગટજ છે અને તેમાં ભગવન્નિષ્ઠા કરીને કોઇ પણ બીજી વાસના ન રાખતા ફક્ત ભગવાન રાજી કરવાજ સેવા કરવામાં આવે, કોઇ પણ ભક્ત કે સંત કે જીવની (જેની અંદર અંતર્યામી ભગવાન છે જ) તેની ભગવત્ પ્રસન્નતા અર્થે સેવા કરવામાં આવે તો મોક્ષજ મળે. આ માટે વિશેષમાં સ્વરુપ નિષ્ઠા, પ્રગટ ઉપાસના વિગેરે વિષયો વાંચવા. ભગવાનનાં ભક્તમાં જોડાવાથી કે ભગવાનનાં તેજ રુપે થવાથી અક્ષરધામ નહી મળે એ ખાસ સમજવાનું છે. કોઇપણ અવતારનું ખંડન કરવાની વાતજ નથી પણ જો એક અક્ષરધામમાં ભગવાનની સેવામાં આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરીને જોડાવું હોય તો સાક્ષાત્ ઉપાસના કરવી પડશે. કોઇ પણ અવતારની પણ નહી ફક્ત અવતારી શ્રીજી મહારાજ જ ભજવા પડે - વચ્ચે કોઇ વ્યવધાન ન ચાલે. આવો હોય તો પણ જો બીજી માયિક વાસના હોય તો પણ અક્ષરધામ ન મળે. નિર્વાસનિક હોય અને સાક્ષાત્ ઉપાસક હોય એમ બેય પાંખો મજબૂત હોય તોજ અક્ષરધામ મળે. ભગવાનની આજ્ઞા પાળો તેમાં પણ જરાપણ છટકબારી ન ચાલે. અલ્પ આપત્કાળ મુખ્ય ન ગણાય. મહિમાનાં બળે પુરે પુરા વિષય ન તજાય - ધર્મ ગૌણ થાય તો પણ આત્યંતિક મોક્ષ ન થાય. શાસ્ત્રમાં બે જાતનાં વચન હોય - વિરોધાભાસ જેવું જણાતું હોય તેનો સાચો યુક્તિથી અર્થ કરીને પાકા ભક્ત બનવાની વાત સ્વામીએ સરસ રીતે સમજાવી છે. તો આ પુસ્તક ખાસ વાંચી પોતે દ્રઢ ધર્મ પાળી નિર્વાસનિક થઇ પોતેજ અક્ષર રુપે બનવાનું છે. પણ તેની ઉપાસના કરવાની નથી. ફક્ત ભગવાનનીજ ઉપાસના કરવાની છે. પર, વિભવ, વ્યુહ, અંતર્યામી અને અર્ચા આ પાંચમાં અર્ચા જે ભગવાન કે આચાર્યે સ્થાપી હોય તે સ્વયં - પ્રગટ છે. એ ગોબલિવર્દ ન્યાય થી સ્વામીએ ૧૧૫ માં શ્લોકમાં સરસ સમજાવ્યું છે. મ. ૬૦ મા વચનામૃતમાં માં કહ્યું છે કે “આપણે તો બધાં સાધુ સરખા” એમ જે માને છે તે અર્ધો વિમુખ છે. તેમ જે બધાય જીવોને ભગવાનનાં ભક્ત કે અભક્ત બધાયને સરખીજ સેવા કરવાનું કહે અને ગમેએની સેવા કરવાનું બતાવે, નાત-જાત, ભેદ-ભાવ ન ગણી ભક્ત-અભક્ત બધાની સરખીજ સેવા કરાવે, ભગવાન સર્વોપરી અને બીજા અવતારો - દેવો વિગેરેને સરખા માને અને ગમેતેને ભજો અને અક્ષરધામમાં જવાય એવું માને તે બધા અવિવેકી તથા અણસમજણાં હોઇ સાચા ભગવાનમાં જોડાવાને બદલે બીજી પ્રવૃત્તિમાં જોડાઇ જાય તો ધામના બદલે ધક્કા મળશે. ખરેખરી ગાય પૂજાય પણ ધોળો ગધેડા ન પૂજાય એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ભગવાનનાં પ્રગટ થવાનાં છ હેતુંઓ માં ચોથો હેતુ બીજા અવતારો અને તેમનાં ભક્તોને સ્વ-સ્વરુપનું જ્ઞાન આપી એમને પણ અક્ષરધામમાં લઇ જવા એ જે હેતુ છે તે બધાય એકજ નથી એમ સૂચવે છે. વળી પ્ર. ૪૧ માં કહ્યું છે કે ભગવાન તારત્મયતાથી રહે છે. એટલે કે ભગવાનતો અંતર્યામીપણે સર્વમાં સરખાજ રહ્યા છે પણ જેને જેને જેટલો જેટલો ભગવાન સાથે નાતો-સંબંધ તેટલું તેટલું તેમાં ઐશ્વર્ય વધરે હોય. વિજળી તો દરેક બલ્બમાં સરખીજ આવતી હોય પણ ૧૦૦૦વોટનાં બલ્બમાં ૧૦વોટનાં બલ્બ કરતાં વધારે પ્રકાશ હોય તેમ પૂર્વકર્મનાં ફળ સ્વરુપે કોઇ બ્રાહ્મણ જાતિમાં જનમ્યો હોય તેની સેવા કરવાથી જે ભગવાન રાજી થાય તે કદાચ હલકી જાતિમાં જન્મેલાની એવીજ સેવા કરવાથી ન પણ રાજી થાય. વળી ભગવાન બધાંમાં સરખાજ હોવા છતાં પણ શામાટે બ્રાહ્મણનીજ સેવા કરવાનું વધારે પ્રતિપાદન કરે છે? માનવતા દર્શાવવામાં એટલે કે કોઇપણ જીવ પ્રાણી માત્રને બચાવવા માટેજ સર્વ પ્રત્યે સમભાવ રાખવાનો છે પણ ધાર્મીક ક્રીયા (દાન વિગેરે) કરવામાં તો સંતો, બ્રાહ્મણોનીજ સેવા કરવાની કહી છે હલકા વર્ણ વાળાની, અસંસ્કારીની, વ્યસનીની નહી. મહાભારતમાં લખ્યું છે કે अपूज्य पूजनात् चैव पूज्यानां अप्य पूजनात् नृघातक समं पापं शाश्वत प्राप्नोति मानव (ગો. ભાષ્ય ભા. સ્કં. ૧૧ અ. ૨૯ શ્લોક ૧૪). આ બ્રહ્માંડની અર્ધી આવરદા થઇ ત્યાં સુધી ગમેએની પૂજા થતી હતી પણ હવે સ્વામિનારાયણ ભગવાનનાં પ્રાદુર્ભાવ પછી નિષ્કુળાનંદ સ્વાવમીનાં કહ્યા પ્રમાણએ શક્કો બેસાડ્યો છે આ વાર. એટલેકે પૂજવા લાયક સ્વામિનારાયણ ભગવાન છે તેને મૂકીને અથવા તો તેના જેવા અન્ય અવતારોને ગણીને તેમની ઉપાસના કરીએ તો આ શ્લોકમાં કહ્યાં પ્રમાણે नृघातक समं पापं દોષ લાગેછે. માટે સ્વામિનારાયણ એક નીજ ઉપાસના, ધ્યાન થાય. બીજા બધાંનો ઓટોમેટીક નિષેધ થઇ ગયો અને મ. ૯ પ્રમાણે અવતારીનો દ્રોહ થાય છે. અક્ષર આદિક સર્વે આશ્રય કે ઉપાસના યોગ્ય જ નથી એમ પ્રગટ શબ્દાર્થમાં સ્વામીએ કહ્યું છે તે વાંચીલેવું. વિશિષ્ટાદ્વૈત મત આપણે માન્યો છે તેમાં સ્વામિનારાયણ ને ભગવાન માનીએ અને માયા અને જીવોને (બદ્ધ, ઐશ્વર્યાર્થી, મુક્તો કે અવતારો) આ બધાને શરીર-શરીરી ભાવે સબંધ હોવાથી શાસ્ત્રમાં ભગવાનથી અન્યને પણ ભગવાન તરીકે વર્ણન કર્યા હોય એવા વાક્યો નાં સંદર્ભથી કેટલાક લોકો એ બધાંને સ્વામિનારાયણના તુલ્ય માને છે અને અવતાર અવતારી ભેદનાં વચનોને ગૌણ માને છે. પણ, આ એમની ભૂલ છે. અવતાર-અવતારી વચનો મુખ્ય માનવા પડે અને આવા વચનો ઐક્યતાનાં હોય ત્યાં યુક્તિથી અર્થ કરવો પડે કે છોકરો પોતાનાં બાપની મિલ્કતને પોતાની કહે અથવા તો બીજા શેઠના બદલે એમનાં છોકરાં ને શેઠ કહે એવી રીતે શાસ્ત્રમાં બીજા જે ભગવાન નથી તેને પણ ભગવાન તરીકે કહ્યાં હોય, ભગવાનનાં બધાં ગુણો તેમાં પણ લગાડીને ભગવાન તુલ્ય માને તે એમની ભૂલ છે. આ બધાં શબ્દ છળ સત્પુરુષ થકીજ સમજાય માટે આ પુસ્તક બરાબર સમજવું.